પહેલા તો શબ્દોના રમત થકી આપણે સંતાકૂકડી રમતા
હતા. ક્યાંક આંખના ઈશારા પણ એકબીજાને ઘાયલ કરી દેતા હતા. વાત એ નથી કે આપણે એ બધું વિસરી બેઠા છે,
પણ ક્યાંક આપણે સમય સાથે ચાલવામાં પોતાના બીજને ક્યાંક
છુપાવી બેઠા છે.
નિર્ભય તેના ઘરે બેઠો બેઠો કામ કરતો હતો અને
એવામાં જ તેનો મોબાઈલ ફોન વાઈબ્રેટ થયો. ફોનના સ્ક્રીન પર જોયું તો તેના ગ્રુપનું
નામ અને આઇકોન ચેન્જ થઇ ગયું હતું. અને આ વખતે પેહલી વાર એ ગ્રુપમાં તેના મિત્રો
બર્થડે વિસ સિવાય કોઈ બીજા ડેની વિસ કરે છે અને તે છે એનિવર્સરી વિસ. બસ આજ જોઈને
નિર્ભયનું મન અને ચિત્ત તેનામાં ચોંટી પડ્યું. સ્વભાવે શાંત અને નમણો આ નિર્ભય,
તે હંમેશા વિચારો અને પોતાની કલ્પનાદ્રષ્ટિનું પોટલું લઇ
તેને ખોલવા નીકળી પડ્યો. તે ફક્ત બે શબ્દના અર્થમાં એટલો ડૂબી ગયો કે ક્યાંક
એનિવર્સરી શબ્દને બર્થડે શબ્દ સાથે સરખામણ કરવા બેસી ગયો.
તે પોતાને જ અરીસામાં જોઈને કહેતો હતો કે,
હજુ થોડાક જ વર્ષો પહેલા હું, સાગર,
ગૌરાંગ, કાર્તિક અને
વિશાલ અમારું ગ્રુપ રાત્રે 12 વાગે ચાની ટપરીએ
બેસીને બીજી કોઈ છોકરીને જોઈને તેમની ભાભી ગણાવનાર અને ખાલી શ્રુતિના એક મેસેજના
રિસ્પોન્સથી પાર્ટી માંગનાર આ બધા જ હવે જીવનના એક મોટા તબક્કામાં ક્યારે આવી ગયા
એ તો ખબર જ ના પડી.
મિત્રોને હતી એક ટોળકી અને એમાં કોઈ એક મિત્ર
નાનામાં નાની વસ્તુ વસાવે અને બીજા તેના મિત્રો પાર્ટી ના માંગે તો એ મિત્રો
ફ્રેન્ડશીપના હકદાર નથી. હજુ તો જોત જોતામાં એવું લાગતું હતું કે,
હજુ કાલે જ તો આપણે જેવી છોકરી જોઈએ તેવી બાઈક ધીમી પડી
દેતા હતા અને અત્યારે એજ બાઈક કોઈ બીજી છોકરી માટે ધીમી પડતી નથી. બર્થડે આવી એની
રાહ જોઈને કેટલા દિવસો થી બેસી રહેતા હતા કે જેનાથી અંતે ચાની પાર્ટી તો મળે. અને
એના 12 વાગ્યે એને મોઢા પર કેક,
લોટ, ટૂથપેસ્ટ લગાવી
બર્થડે કંઈક અલગ જ રીતે સ્પેશ્યલ બનાવતા હતા. પરંતુ અત્યારે ગ્રુપમાં ફક્ત ગ્રુપ
નેમ કે આઇકોન ચેન્જ થાય બસ એજ ખુશીથી અમે વિતાવેલ દરેક ક્ષણને યાદ કરી અત્યારે
માણી લઈએ છે.
હવે તો પહેલાની જેમ અત્યારે થોડી કબાટ ઉપરથી કે
પલંગ નીચેથી પટારો નીકાળવાનો હોય, કે જ્યા આપણે
પહેલેના ફોટોગ્રાફ્સ અને તેની વિડીયો કેસેટ સંભાળીને કપડું બાંધીને મૂકી
હોય.!!! પણ હવે તો પોતાના ફોનની ગેલેરીમાં
જઈને આંખ સમક્ષ લાવવા માટે નિર્ભયે પોતાન ફોન લીધો અને લાગણીઓમા વધુ ઊંડાણમાં
ઉતારી ગયો.
હું પણ એમ જ વિચારું છું કે,
સમય તો એની ગતિમાં જ ચાલે છે, પરંતુ આવતી કાળને
ગઈ કાલ બનવામાં જરાપણ વાર નથી લાગતી. સમય પણ એક ઝરણાના વહેણ રૂપી દરેકના જીવનમાં
ખડખડતો જ રહે છે. જે ઝરણાનું વહેતુ પાણી જે પી ગયું, બસ એજ તેના
ખળખળતા અવાજને માણી ગયું.
આમ સમય ભલે
દેખાતો ના હોય, પણ આજે નિર્ભયાને ઘણુંબધું દેખાડી ગયો.